Wednesday, 3 October 2012

વિશ્વંભરી(સ્તુતિ)


વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1
ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ, સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2
આ રંકને ઉગરવા નથી કોઇ આરો, જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5
ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું, હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6
રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી, આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7
ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9
શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10
શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું, રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ, ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12

No comments:

Post a Comment